આપ પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સીટી બસ અને BRTS (બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ) ના સંચાલનમાં દર વર્ષે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે.
અણઘણ જણાવ્યા અનુસાર, અનેક BRTS બસ સ્ટેશનો પર મુસાફરોને ટિકિટ આપવામાં આવતી નથી, અને તેના બદલે કંડક્ટરો મુસાફરો પાસેથી રોકડા રૂપિયા વસૂલી લે છે પરંતુ ટિકિટ આપતા નથી. મળતી ફરિયાદોને આધારે અણઘણે અચાનક તપાસ હાથ ધરી, જેમાં જાણવા મળ્યું કે આ રીતે રોજના લાખો રૂપિયાની ઉઘરાણી થઈ રહી છે, જેના કારણે મનપાને મોટા પાયે આવકનું નુકસાન થઈ રહ્યું છે.
આગળ તેમણે દાવો કર્યો કે ૬૫ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, જેમના નામે મનપા તરફથી ₹૧૮,૦૦૦ પગાર દર્શાવવામાં આવે છે, તેમને ફક્ત ₹૫,૫૦૦ માં આઠ કલાકની નોકરી માટે મજબૂર કરવામાં આવે છે, જેનાથી તેમનું શોષણ થઈ રહ્યું છે.
અણઘણનો આક્ષેપ છે કે બસ સેવાનું સંચાલન કરતી બંને ખાનગી એજન્સીઓ મિલીભગતથી મનપાને દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ શાસિત સરકાર અને મનપાના ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટાચાર અંગે આંખ આડા કાન કરી રહ્યા છે અને કમિશનખોરીનો ખેલ ચાલુ રાખી રહ્યા છે.
