આજ રોજ સુરત મહાનગરપાલિકા ખાતે સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વોર્ડ નં. 3 ના કોર્પોરેટર મહેશ અણઘણે જનહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા.
કોર્પોરેટર અણઘણે જણાવ્યું હતું કે સમિતિને અસ્તિત્વમાં આવ્યા હવે લગભગ ૨.૫ વર્ષ થવા આવ્યા છે, છતાં આજદિન સુધી કોઈ નોંધપાત્ર કામગીરી દેખાઈ નથી. બેઠક દરમિયાન આવાસ યોજનાઓમાં ચાલતી ગોબાચારી, અનિયમિતતા અને ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરવામાં આવી, પરંતુ ભાજપના કોર્પોરેટરો પાસે આ મુદ્દાઓ પર કોઈ નક્કર જવાબ ન હતો.
બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય પ્રશ્નો આ મુજબ હતા:
૧) આવાસ મેળવ્યા બાદ ભાડે આપનાર લાભાર્થીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી?
૨) હલકી ગુણવત્તાના આવાસો બનાવતા કોન્ટ્રાક્ટરો સામે પગલાં કેમ લેવામાં આવતા નથી?
૩) સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ ન થવા છતાં કોન્ટ્રાક્ટરો પર દંડાત્મક કાર્યવાહી કેમ નથી?
૪) ૨ લાખથી વધુ અરજીઓ પેન્ડિંગ હોવા છતાં તેમના માટે કોઈ નક્કર આયોજન કેમ નથી?
૫) આ યોજનામાં સૌથી વધુ નાણાકીય ભારણ સુરત મહાનગરપાલિકા પર આવે છે તો તેને પ્રધાનમંત્રી આવાસ યોજના કેમ કહેવાય?
૬) જર્જરિત થઈ ગયેલા આવાસો માટે આગામી રણનીતિ શું છે?
કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું કે જનહિતમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, પરંતુ ભાજપના કોર્પોરેટરો તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેનાથી શાસન અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
