સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત જન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા શાંતિપૂર્ણ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરવામાં આવતા આમ આદમી પાર્ટી (AAP) સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 22/01/2026ના રોજ AAP સુરત શહેર દ્વારા પાંડેસરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને જાગૃત કરવા માટે એક શાંતિપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા હિન્દુ ધર્મની સનાતન પરંપરાના પરમ પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ સાથે થયેલા અભદ્ર અને અમર્યાદિત વર્તન સામે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને ગંભીર ઠેસ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું.
રામ ધડુકે કહ્યું, “પોલીસ તંત્ર કોઈ રાજકીય પક્ષનું સાધન નથી, તે સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવું જોઈએ.”
AAP સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હોવા છતાં પોલીસે અનાવશ્યક રીતે કાર્યકર્તાઓની અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. તેમણે જણાવ્યું, “શાંતિપૂર્ણ નાગરિકો સાથે આવું વર્તન લોકશાહી માટે ખતરો છે.”
AAP સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આરોપ લગાવ્યો કે પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિધિ ઠાકુર દ્વારા કરવામાં આવેલો વ્યવહાર અત્યંત અમાનવીય અને અપમાનજનક હતો. તેમણે કહ્યું, “પોલીસ અધિકારીઓ સત્તા પક્ષના આદેશ મુજબ વર્તે છે.”
ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું, “પોલીસની ફરજ છે કે તે બંધારણનું રક્ષણ કરે, નાગરિકોના અધિકારો જાળવે અને શાંતિપૂર્ણ લોકશાહી પ્રવૃત્તિઓમાં અડચણ ન ઉભી કરે.”
આ સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર, સુરત શહેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં પોલીસ તંત્રમાં માનવીય સંવેદનશીલતા અને બંધારણીય મૂલ્યો મજબૂત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવાની માંગ કરવામાં આવી છે. AAPએ ચેતવણી આપી છે કે જો શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવનાર નાગરિકો સાથે આવું વર્તન ચાલુ રહેશે, તો તે લોકશાહી માટે ગંભીર ખતરો સાબિત થશે.
