વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે તાપી નદી સાથે જોડાયેલા ગેરકાયદેસર કામોને લઈને ભાજપ અને તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે, “શું કોન્ટ્રાક્ટર ભાજપનો કે એનો સગો હોય તો બધું જ ગેરકાયદેસર કામ કરવાની છૂટ મળે?”
મહેશ અણઘણના જણાવ્યા મુજબ, વાલક વિસ્તારમાં તાપી નદીના પાણીમાં ગેરકાયદેસર રીતે અવરોધ ઉભો કરી તમામ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. છતાં આ ગંભીર બાબતે અત્યાર સુધી કોઈપણ અધિકારી કે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.
કોર્પોરેટર અણઘણે જણાવ્યું કે, “ગઈ કાલે મેં જાતે આ સ્થળે રૂબરૂ તપાસ કરી. આ કોન્ટ્રાક્ટરે સુરતની જનતાના ટેક્સના રૂપિયા લૂંટવામાં કોઈ કચાશ રાખી નથી.” તેમણે આરોપ લગાવ્યો કે નિયમોનો ભંગ થતો હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને વારંવાર કામ કેમ આપવામાં આવે છે, તે અંગે ગંભીર શંકા ઊભી થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે ભાજપને આ તમામ બાબતોની જાણ હોવા છતાં પણ આ કોન્ટ્રાક્ટરને જ કામ મળતું રહે છે, જે શાસન-તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચેની સાંઠગાંઠ તરફ ઈશારો કરે છે. મહેશ અણઘણે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
