પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું આજે સાંજે અમદાવાદ ખાતે આગમન થયું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિત પાર્ટીના મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મીડિયા સાથે વાતચીત દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. ગામે ગામ જનસભાઓ યોજાઈ રહી છે અને મોટા શહેરોમાં પણ મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે બદલાવ ઈચ્છે છે અને હાલનું રાજકીય માહોલ જોતા એવું સ્પષ્ટ થાય છે કે લોકો કંઈક નવું અપેક્ષે છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હવે લગભગ નજરે પડતી નથી.
વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતને આમ આદમી પાર્ટી માટે મોટો અને સકારાત્મક સંકેત ગણાવતા ભગવંત માને જણાવ્યું હતું કે આ જીતે પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ભરી છે અને આવનારા સમયમાં વધુ મહેનત સાથે સંગઠનને મજબૂત બનાવાશે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજીનું શિક્ષણ અને આરોગ્યનું મોડલ દિલ્હી અને પંજાબમાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે અને તે જ મોડલ ગુજરાતમાં પણ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય કોઈ રાજકારણનો મુદ્દો નહીં પરંતુ જનતાનો મૂળભૂત અધિકાર છે.
SIR મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે જો કોઈ રાજકીય પક્ષને—ચાહે તે રાષ્ટ્રીય હોય કે રાજ્ય સ્તરનો—કોઈ શંકા કે વાંધો હોય તો ચૂંટણી પંચે સ્વયં આગળ આવીને પારદર્શક રીતે સંતોષકારક પગલાં લેવા જોઈએ. “જો SIR દ્વારા નકલી જનતા ઊભી થતી રહેશે તો પછી લોકતંત્ર કેવી રીતે ટકી રહેશે?” એવો ગંભીર સવાલ તેમણે ઉઠાવ્યો હતો અને આ બાબતને લોકતંત્ર માટે ખતરનાક ગણાવી હતી.
UGC મુદ્દે વાત કરતા ભગવંત માને જણાવ્યું હતું કે UGC મોટી યુનિવર્સિટીઓ અને મોટી પરીક્ષાઓનું આયોજન કરતી સંસ્થા છે. જો કોઈ મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા હોય તો તેની યોગ્ય અને સંતોષકારક તપાસ થવી જોઈએ. કોઈ પણ સંવિધાનિક સંસ્થાની જવાબદારી છે કે તે જનતાને સ્પષ્ટતા આપે.
પંજાબ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે દેશ માટે સૌથી વધુ બલિદાન આપનાર રાજ્યોમાં પંજાબ અગ્રેસર રહ્યું છે. અનાજની તંગી સમયે પંજાબના ખેડૂતોએ ગ્રીન રેવોલ્યુશન દ્વારા દેશને બચાવ્યો હતો. તેમ છતાં આજે પણ પંજાબ પાસે પોતાની અલગ રાજધાની નથી. ચંડીગઢ, જે પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની છે, તે વાસ્તવમાં પંજાબનો અધિકાર છે. તેમણે જણાવ્યું હતું કે પંજાબ પાસે પોતાની હાઈકોર્ટ ન હોવાના કારણે કેસોની પેન્ડન્સી વધી રહી છે, જ્યારે નોર્થ-ઈસ્ટના નાના રાજ્યો પાસે પણ પોતાની હાઈકોર્ટ છે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારજીના અવસાન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે,” અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
